જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે. ...પણ એ વાંચક...આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો. એય રામબાઈ...તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે. આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.